કુંકાવાવ-વડિયા તાલુકાના ભુખલી સાથળી ગામે નિર્માણ પામેલા ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું આ મહત્વપૂર્ણ જળસંચય કાર્ય ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ૪૪ મીટર લંબાઈ અને ૧.૩૦ મીટર ઊંડાઈ ધરાવતા આ ચેકડેમમાં અંદાજે ૨.૬૮ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જે વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ચેકડેમ માત્ર પાણી સંગ્રહનું સાધન નથી, પરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ માટે મજબૂત આધારસ્તંભ સમાન છે. ચેકડેમ અને નદીના ઊંડીકરણના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, જેના પરિણામે આસપાસના કૂવા અને બોરમાં પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત આશરે આઠ હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સીધો લાભ મળશે અને ખેડૂતોની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત કાર્ય કરી રહી છે. પાણી, વીજળી, માર્ગ અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોને વધુ આત્મનિર્ભર અને
સમૃદ્ધ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાનિક કૃષિકાર નનાભાઈ આહીરે જણાવ્યું હતું કે ચેકડેમના નિર્માણથી પાણીના તળ ઊંચા આવશે અને ખેતીને લાંબા ગાળે લાભ મળશે. આ જળસંચય યોજના ખેડૂતો, પશુપાલકો અને સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































