ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ હવે માત્ર અસામાજિક તત્વો સુધી સીમિત નથી રહ્યું, પરંતુ ભણેલા ગણેલા લોકો પણ આ બરબાદીના રસ્તે ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે ડીસાના કંસારી ટોલનાકા નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને રોકી હતી. પોલીસે જ્યારે કારની તપાસ કરી ત્યારે તેમાંથી ૧૬ ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજારકિંમત ૪૮ હજાર રૂપિયા માનવામાં આવે છે. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા ૫.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોની અટકાયત કરી લીધી છે.

પોલીસના સકંજામાં આવેલા આ બંને આરોપીઓના નામ છે જાગેશ ઠાકોર અને સાહિલ વાઘેલા. આ કેસમાં પોલીસ પણ ત્યારે ચોંકી ઉઠી જ્યારે આરોપી જાગેશ ઠાકોરની કુંડળી સામે આવી. ડ્રગ્સ સાથે ઝડપાયેલો જાગેશ ઠાકોર એલએલબી અને એમ ફિલ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. આ આરોપી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે અને તે હાલમાં પીએચડીના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ આરોપી ભૂતકાળમાં વિવિધ નામાંકિત કોલેજામાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવી પણ ચૂક્યાની માહિતી મળી રહી છે.

જે હાથોમાં કલમ અને પુસ્તકો હોવા જોઈએ, જે મગજ દેશનું ભવિષ્ય ઘડવામાં વપરાવવું જોઈએ, તે મગજ ડ્રગ્સની હેરાફેરીના કાળા રસ્તે વળી ગયાની આ ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. હાલમાં ડીસા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલો ભણેલો-ગણેલો યુવક ડ્રગ્સના રસ્તે કેમ આવ્યો? આ ડ્રગ્સ તે ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો? શું તેની પાછળ કોઈ મોટું ડ્રગ્સ રેકેટ કામ કરી રહ્યું છે? તે તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.