જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં સોપારી ખાવાની જીદે ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે. વાત એમ છે કે, પ્રેમીની વાત નહીં માનતા પ્રેમિકાની હત્યા થઈ છે. હુમલાનું કારણ અત્યંત ચોંકાવનારું બહાર આવ્યું છે. ભોલા સોલંકીએ જ્યોતિ પરમારને સોપારી ખાવા માટે મનાઈ કરી હતી. તેમ છતાં જ્યોતિ પરમારે સોપારી ખાવાનું ચાલુ રાખ્યું. આ નાની અમથી બાબતથી ઉશ્કેરાઈને પ્રેમીએ આક્રમક પગલું ભર્યું.
વારંવારની ટકોર છતા યુવતી સોપારી છોડતી નહોંતી, જેથી તેણે આવેશમાં આવીને યુવતીના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા માર્યા હતા. હુમલામાં જ્યોતિ પરમાર ગંભીર રીતે ઘાયલ થઈ. તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં તેની સ્થિતિ નાજુક જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. રાજકોટમાં સતત ૩ દિવસ સુધી તબીબોએ તેને બચાવવાના પ્રયત્ન કર્યા. જાકે, ગંભીર ઈજાઓને કારણે જ્યોતિ પરમારે અંતે દમ તોડ્યો. આ સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ તપાસ કરી રહી છે. ત્વરીત કાર્યવાહીના ભાગરૂપે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ જાવા મળી રહ્યો છે. પોલીસે બનાવના દરેક પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.









































