ડાયમંડ સિટી સુરતમાં વધુ એકવાર હત્યાનો બનાવ બન્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે હત્યા થઈ છે. બંગલા વિસ્તારમાં સંબંધીએ જ સંબંધીની હત્યા કરી છે. અલ્તુમસ અંસારી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઇશાન અંસારી નામનો શખ્સ હત્યા કરીને ફરાર થયો છે. પારિવારિક વિવાદમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ હત્યાના સમાચાર મળતા જ સુરતમાં મોડી રાત્રે ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનું પંચનામુ કર્યુ હતુ અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલ મોકલી આપ્યો છે. ફોરેન્સીકના રિપોર્ટના આધારે મર્ડર વેપન અને કઈ રીતે મર્ડર કરવામાં આવ્યું છે તેનો ખુલાસો થશે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ તેના કબ્જામાં લીધો છે. તેની સાથે તેના સગાસંબંધીઓની પૂછપરછ આદરી છે. આમ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
હમણા માંડ એકાદ દિવસ પહેલા સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં બે યુવાનોની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ભય અને શોકનો માહોલ સર્જાયો હતો. મૃતકોની ઓળખ ૩૦ વર્ષીય હર્ષિલ પાટીલ અને ૨૫ વર્ષીય ભટ્ટુ માળી તરીકે થઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બંને મિત્રો અન્ય સાથીઓ સાથે ચા પીવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ઝઘડો વધતાં ૧૦થી ૧૫ જેટલા યુવકો એકઠા થયા હતા અને તેમણે તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળીને ચપ્પુના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા.હુમલા બાદ બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સ્મીમેર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જાકે, ગંભીર ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન બંને યુવાનોના મોત નિપજ્યા હતા.આ ઘટનાથી મૃતકોના પરિવારોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
ઘટનાની જાણ થતાં સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ અને ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.









































