બાંગ્લાદેશ સામે તાજેતરમાં ૦-૨ ટેસ્ટ શ્રેણીની અપમાનજનક હાર બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ સરફરાઝ અહેમદ અને કેપ્ટન શાન મસૂદને તેમના પદ પરથી દૂર કરવા ગંભીરતાથી વિચારી રહ્યું છે.પીસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન યુનિસ ખાન અને ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ સાથે રાષ્ટ્રીય ટીમમાં મુખ્ય જવાબદારીઓ સંભાળવા અંગે ચર્ચા કરી છે.
સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીના સલાહકારોએ બાંગ્લાદેશ સામેની હાર બાદ સમગ્ર ટેસ્ટ ટીમના માળખામાં ફેરફારની ભલામણ કરી છે. સરફરાઝ અહેમદને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ પરથી દૂર કરી શકાય છે અને પાકિસ્તાન અંડર-૧૯ અને એ ટીમોમાં ફરીથી નિયુક્ત કરી શકાય છે. જાકે, આ નિર્ણય ત્યારે જ લેવામાં આવશે જ્યારે બોર્ડ યુનિસ ખાન સાથે નવી ભૂમિકા અંગે કરાર કરશે. એવું કહેવાય છે કે યુનિસ ખાને અગાઉ કોઈપણ પદ સ્વીકારવા માટે કડક શરતો મૂકી છે, જેના કારણે વાટાઘાટો હજુ સુધી અંતિમ તબક્કામાં પહોંચી નથી.
પીસીબી ટેસ્ટ કેપ્ટન શાન મસૂદને બદલવાનું પણ વિચારી રહ્યું છે. જાકે, મસૂદે બોર્ડને વિનંતી કરી છે કે તેમને વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડના આગામી પ્રવાસ સુધી ટીમનું નેતૃત્વ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે.
સૂત્રો કહે છે કે મોહમ્મદ હાફીઝને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિભાગની જવાબદારી સાથે પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં પ્રારંભિક ચર્ચાઓ થઈ છે. જાકે, પીસીબીમાં એવી પણ ચર્ચા છે કે હાફીઝ છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં ટીમ અને બોર્ડની નીતિઓની ટીકા કરી રહ્યો છે. તેથી, તેમને મહત્વપૂર્ણ પદ આપવાથી એવી છાપ પડી શકે છે કે આ ઓફર તેમની ટીકાને શાંત કરવા માટે કરવામાં આવી છે.
પાકિસ્તાનને તાજેતરમાં બાંગ્લાદેશ સામે ૦-૨ થી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ, ટીમ મેનેજમેન્ટ, પસંદગી પ્રક્રિયા અને નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થયા છે.પીસીબી મોટા ફેરફારો દ્વારા ટીમને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.