અમરેલી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાશે.જનભાગીદારી વધારવા માટે ‘સ્વચ્છ પાઠશાળા’, ‘સફાઈ મિત્ર સુરક્ષા અને સન્માન શિબિર’ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ નક્કી કરાયેલા ટારગેટ યુનિટોની વિશેષ સફાઈ કરવામાં આવશે.અભિયાન અંતર્ગત તા. ૧ ઓક્ટોબરે સવારે ૮ થી ૯ વાગ્યા સુધી “એક દિન, એક ઘંટા, એક સાથ”ના સૂત્ર સાથે સામૂહિક શ્રમદાન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોને શ્રમદાનમાં જોડાઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા જાળવીને રોગચાળો અટકાવવા અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.