વૈભવ સૂર્યવંશીએ આઇપીએલ ૨૦૨૬ માં તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ભારતીય ટી ૨૦ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ૧૫ વર્ષીય બેટ્સમેનને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે પસંદ કરાયેલ ભારતીય ટી ૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જાકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ માને છે કે વૈભવને હજુ પણ લાંબી મજલ કાપવાની છે.
કપિલ દેવે કહ્યું, “વૈભવે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.” ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીત અપાવનાર કેપ્ટને કહ્યું, “વૈભવ સૂર્યવંશી સ્પષ્ટપણે એક ખાસ પ્રતિભા છે, પરંતુ તેણે હજુ પણ લાંબી મજલ કાપવાની છે. તેમાં કોઈ શંકા નથી કે તેણે ક્લબ ક્રિકેટ અને આઇપીએલમાં પોતાની પ્રભાવશાળી બેટિંગ દ્વારા પોતાની ક્ષમતા દર્શાવી છે. જાકે, વૈભવે હવે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે તેણે હજુ લાંબી મજલ કાપવાની છે. આ સમયે આપણે બધા તેના પર ખૂબ દબાણ મૂકી રહ્યા છીએ.”
કપિલ દેવે સ્વીકાર્યું કે આઇપીએલ હવે ભારતીય ટીમ પસંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે આઇપીએલની મદદથી, પસંદગીકારો જાઈ શકે છે કે દરેક ખેલાડી કેવા પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે પસંદગીકારો પાસે હવે ઘણા વિકલ્પો છે અને તેઓ નક્કી કરી શકે છે કે ટીમ માટે કોણ શ્રેષ્ઠ છે.
જ્યારે કપિલ દેવને પૂછવામાં આવ્યું કે શું સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને નવા ટી ૨૦ કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો પસંદગીકારોનો નિર્ણય સાચો હતો, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું. તેમણે કહ્યું કે પસંદગીકારો અથવા ખેલાડીઓ પર નજર રાખનારા લોકો આનો વધુ સારો જવાબ આપી શકશે. આ વર્ષે પોતાની કેપ્ટનશીપ હેઠળ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારતીય ટીમને વિજય અપાવનાર સૂર્યકુમારને પસંદગીકારો દ્વારા ટી ૨૦ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. કેપ્ટનશીપની સાથે, સૂર્યકુમારને પણ ટી ૨૦ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સૂર્યકુમાર લાંબા સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.












































