આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવી રમતગમત તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે ન્યુ પાયોનિયર સ્કેટિંગ એકેડમી, અમરેલી દ્વારા ૩૫ કિલોમીટરની સ્કેટિંગ મેરેથોન યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન અમરેલીના સેન્ટર પોઇન્ટથી પ્રારંભ થઈ ભુરખિયા સ્થિત પવિત્ર હનુમાનજી મંદિર સુધી યોજાઈ હતી. વહેલી સવારે ૬ વાગ્યે શરૂ થયેલી આ યાત્રામાં ૭ વર્ષથી ૨૦ વર્ષ સુધીના કુલ ૨૫ સ્કેટર્સે ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે લગભગ ૧૧ વાગ્યે તમામ સ્કેટર્સ ભુરખિયા પહોંચ્યા હતા. ત્યાં ભુરખિયા દાદાના પવિત્ર સ્થળે ભાવપૂર્વક દર્શન અને પ્રાર્થના કર્યા બાદ આ મેરેથોન યાત્રાનું ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ અને અદ્ભુત આનંદ જોવા મળ્યો હતો.








































