ભોપાલમાં કુખ્યાત ત્વીષા શર્મા દહેજ મૃત્યુ કેસમાં, ભોપાલ જિલ્લા અદાલતે નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને ત્વીષાની સાસુ ગિરિબાલા સિંહ અને તેમના પતિ, એડવોકેટ સમર્થ સિંહને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા છે. હવે બંનેને ૧૬ જૂન સુધી જેલમાં રહેવું પડશે.

સીબીઆઈએ દહેજ હત્યા, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસના આરોપસર બંનેની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પૂછપરછ પૂર્ણ થયા પછી, તેમને મંગળવારે બપોરે ૧ વાગ્યે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શોભના ભલવીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ વધુ રિમાન્ડ માંગ્યા ન હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે તેમને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલવાનો આદેશ આપ્યો.

કોર્ટમાં પોતાનું પ્રતિનિધિત્વ કરતી ગિરિબાલા સિંહે જણાવ્યું હતું કે તેમના અને ત્વીષા શર્મા વચ્ચે સામાન્ય સંબંધ હતો અને ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો. તેમણે દાવો કર્યો હતો કે ત્વીષાનું મૃત્યુ આત્મહત્યાનો કેસ હતો અને તેમણે ક્યારેય તેના પર હુમલો કર્યો ન હતો. ગિરિબાલાએ એમ પણ કહ્યું હતું કે તેમને ઘરના સીસીટીવી ફૂટેજ બહારની દુનિયા સુધી કેવી રીતે પહોંચ્યા તેની કોઈ જાણકારી નથી. સુનાવણી દરમિયાન, ગિરિબાલા સિંહે આરોપ લગાવ્યો હતો કે ત્વીષાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અનુરાગ શ્રીવાસ્તવે જબલપુર હાઈકોર્ટમાં તેમના પુત્ર સમર્થ સિંહ પર હુમલો કર્યો હતો. આ આરોપથી કોર્ટરૂમ ગરમાયો હતો અને બંને પક્ષોના વકીલો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

વકીલ અનુરાગ શ્રીવાસ્તવે વળતો જવાબ આપતા માંગ કરી હતી કે સમર્થ સિંહ કોર્ટને જણાવે કે જબલપુર હાઈકોર્ટમાં ફરાર દરમિયાન તેઓ કયા જજની ચેમ્બરમાં અને કયા જિલ્લા કોર્ટના જજની ચેમ્બરમાં છુપાયા હતા અને આત્મસમર્પણ કરતા પહેલા કયા જિલ્લા કોર્ટના જજની ચેમ્બરમાં છુપાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક વકીલોએ સમર્થને જજની ચેમ્બરમાંથી બહાર આવતા જાયો હતો. વધતા વિવાદ વચ્ચે, ન્યાયાધીશે દરમિયાનગીરી કરી અને બધાને શાંત પાડ્યા.

આ દરમિયાન, પાંચ દિવસની પૂછપરછ દરમિયાન, સીબીઆઇને ઘણા મુખ્ય પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા નથી. તપાસ એજન્સીનું કહેવું છે કે ગિરિબાલા સિંહે મોટાભાગના આરોપોને નકારી કાઢ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટ માહિતી આપી ન હતી. આ પછી, સીબીઆઇએ તેની તપાસ ડિજિટલ અને ટેકનિકલ પુરાવા પર કેન્દ્રિત કરી છે. તપાસ એજન્સી હવે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ રેકોર્ડ, વોટ્‌સએપ ચેટ્‌સ, મોબાઇલ સંદેશાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, વિસેરા તપાસ રિપોર્ટ, તબીબી દસ્તાવેજા, ડોકટરોના નિવેદનો અને અન્ય ડિજિટલ પુરાવાઓની નજીકથી તપાસ કરી રહી છે. સીબીઆઇ માને છે કે સમગ્ર ઘટનાના બિંદુઓને જોડીને, કોર્ટમાં એક મજબૂત કેસ રજૂ કરી શકાય છે.

સુનાવણી દરમિયાન, ગિરિબાલા સિંહે મીડિયાને પણ પ્રશ્ન કર્યો. તેણીએ કહ્યું કે આ કેસમાં “મીડિયા ટ્રાયલ” ચાલી રહી છે અને આ બંધ થવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ગુનાના દ્રશ્યના પુનઃનિર્માણ દરમિયાન મીડિયાને ફૂટેજ પૂરા પાડવાના હેતુથી તેમને તેમના ઘરથી લગભગ ૧૦૦ મીટર દૂર છોડી દેવામાં આવ્યા હતા. કોર્ટમાં પહોંચ્યા પછી, સમર્થ સિંહ હસતા અને તેમના વકીલ સાથે વાત કરતા જાવા મળ્યા. કોર્ટરૂમમાં પ્રવેશતા પહેલા તેઓ સામાન્ય અને ખુશખુશાલ દેખાતા હતા.