જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જેઠલજ ગામમાં યુવતી ગુમ થવાના મામલે વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક આગેવાનો દ્વારા સમગ્ર ઘટનાને “લવ જેહાદ” સાથે જાડીને રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસનું કહેવું છે કે હાલ તપાસ ચાલુ છે અને યુવતીનું નિવેદન નોંધાયા બાદ જ હકીકતોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જેઠલજ ગામની એક યુવતી ગત ૨ જૂનના રોજ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ફરી નહોતી. પરિવારજનો દ્વારા યુવતી ગુમ થયાની અરજી સાંતેજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. અરજી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી યુવતીની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, યુવતી ગામના જ એક યુવક સાથે ગઈ છે. વિવિધ ટેકનીકલ અને મેદાની તપાસ બાદ પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા હતા. હાલમાં યુવતીનું સત્તાવાર નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સમગ્ર મામલે કલોલ ડીવાયએસપી આર. એમ. સરોદેએ જણાવ્યું હતું કે, યુવતી અને યુવક બંનેને શોધી લેવામાં આવ્યા છે. હાલમાં યુવતીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને તેના નિવેદનના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દરમિયાન સમગ્ર ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સ્તરના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સંગઠનના પ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જાઈએ અને તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવવું જાઈએ. જાકે પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર રીતે આવા આક્ષેપોની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઘટનાને લઈને ગામમાં તણાવપૂર્ણ સ્થીતિ ન સર્જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થીતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ જેઠલજ ગામમાં સ્થીતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને શાંતિનો માહોલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીનું નિવેદન આ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. યુવતી સ્વેચ્છાએ ગઈ હતી કે પછી અન્ય કોઈ સંજાગો હતા તે સહિતના મુદ્દાઓ અંગે સ્પષ્ટતા તેના નિવેદન બાદ થઈ શકશે. તેના આધારે પોલીસ જરૂરી કાનૂની પગલાં ભરશે.
હાલ સાંતેજ પોલીસ દ્વારા સમગ્ર કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારના તારણ પર પહોંચતા પહેલાં તમામ તથ્યો અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે.









































