રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા જ ટિકિટોની વહેંચણી અને પ્રતિનિધિત્વને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પાટણ ખાતે ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં ભાજપના મોવડી મંડળને ચેતવણી આપી છે નવઘણજી ઠાકોરે આકરા પાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતો ઠાકોર સમાજ હોવા છતાં, રાજકીય પક્ષો દ્વારા વારંવાર તેમની અવગણના કરવામાં આવે છે.
ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓને અપીલ કરીએ છીએ કે સમાજમાં યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે અને ન્યાય આપવા માટે સક્રિય પગલાં લેવામાં આવે. ગુજરાતની અંદર મોટો સમાજ છે, એમની સંપૂર્ણ અવગણના કરવામાં આવે છે. ધીમે ધીમે મોટા સમાજાને સાઈડલાઈન કરવામાં આવે છે, એટલે સરકારને હું કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે અમને સંગઠનમાં અન્યાય થાય, નિમણૂકોમાં અન્યાય થાય, સરકારી તંત્રોમાં અન્યાય થાય, અધિકારી વર્ગમાં દરેક જગ્યાએ અમને અન્યાય થાય છે, અમને ન્યાય મળતો નથી. અમારી વસ્તી વધારે છે પણ અમને ન્યાયમાં ઝીરો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને મારી વિનંતી છે કે જા અમને ન્યાય આપવામાં નહીં આવે, ચાર નામમાંથી એક નામ મોટા સમાજનું લેવામાં નહીં આવે, તો હવે અમારે સમાજને જાગૃત થઈ અને ૨૦૨૭ની અંદર કે આગામી જે કોઈ ચૂંટણીઓ આવે એમાં આખો સમાજ એક થઈ અને જડબાતોડ જવાબ આપવો પડશે.
નવઘણજી ઠાકોરે સોમવારે ભરાનારા ફોર્મમાં પણ ઠાકોર સમાજના પ્રતિનિધિને સ્થાન આપવાની માગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જા આગામી સમયમાં વસ્તીના ધોરણે ઠાકોર સમાજને ન્યાય નહીં મળે, તો સમાજ અન્ય સર્વ સમાજાને સાથે લઈને ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવા માટેની સીધી ચેતવણી આપી છે. હવે જાવાનું એ રહે છે કે આ આક્રમક નિવેદન બાદ ભાજપનું મોવડી મંડળ તેની વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરે છે કે કેમ?








































