બગસરાના મોટા મુંજીયાસર ગામે “તમે બધા ઘર મૂકીને જતા રહો” તેમ કહી એક વૃધ્ધાને ધમકી આપવામાં આવી હતી, તેમજ ગાળો બોલી લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે નાથીબેન જીવાભાઇ રાઠોડ (ઉ.વ. ૮૫)એ હેતલબેન વીરભાઇ વાઘેલા તથા વીરભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, વૃધ્ધા જ્યારે પોતાના ઘરે બેઠા હતા ત્યારે બંને આરોપીઓએ આવીને કહ્યું કે,“આ ઘરબાર અમારા નામે કરી દો અને તમે બધા અહીંથી જતા રહો.” વૃધ્ધાએ ના પાડતા બંને એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને બેફામ ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન વીરભાઈ વાઘેલાએ વૃધ્ધાને પકડી રાખ્યા હતા અને હેતલબેન વાઘેલાએ હાથમાં રહેલું લાકડું ફટકારી તેમના કપાળના ભાગે તથા શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એન. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.