ગીર પશ્ચિમની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા ૧૫ દિવસથી સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસના પ્રકોપને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં કમનસીબે અંદાજે ૧૨ સિંહોના અકાળે મોત નીપજ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને પગલે દિલ્હી સુધી તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાજ્યના વન મંત્રીએ પણ તાકીદે જામવાળા તથા જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જોકે, વન વિભાગની સઘન સારવાર બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. જસાધાર સેન્ટર પરથી ૪ સિંહોને અને જામવાળા સેન્ટર પરથી ૭ સિંહોને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરીને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ ૧૧ સિંહોને કુદરતી આવાસમાં પાછા છોડાયા છે, જ્યારે હાલમાં ૨ નર, ૧ માદા અને ૩ સિંહબાળ સહિત કુલ ૬ સિંહો હજુ પણ સેન્ટર પર તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર મેળવી રહ્યા છે. ડ્ઢઝ્રહ્લ વિકાસ યાદવના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.