ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મિની ટ્રેક્ટર-ટ્રોલી અને કિંમતી કેરીના બોક્સની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીઓએ સંયુક્ત બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરી હતી. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે છાછર પ્લોટ વિસ્તારના ૩૫ વર્ષીય શિવાભાઈ નારણભાઈ સલાડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનું મહેન્દ્રા કંપનીનું મિની ટ્રેક્ટર-ટ્રોલી અને કેરી ભરેલા બોક્સ સહિત કુલ રૂ. ૪,૯૫,૫૦૦ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલાતા સ્થાનિક વેપારીઓએ પોલીસની કામગીરીને બિરદાવી છે.







































