નોકરી અને સારા ભવિષ્યની લાલચે વિદેશ જવાની ઘેલછા રાખતા લોકો માટે આણંદના બોરસદનો એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. રોજગારી મેળવવાની આશાએ એક એજન્ટ મારફતે વિદેશ ગયેલી બોરસદની બે યુવતીઓ લાઓસ દેશની રાજધાની વીએનટીઆનમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. દીકરીઓ મુશ્કેલીમાં હોવાની જાણ થતાં જ ચિંતિત પરિવારજનોએ આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક સાધ્યો હતો.
આણંદના સાંસદ મિતેશ પટેલ પોતે કેન્દ્રીય એક્સટર્નલ અફેર્સ કમિટી (વિદેશ મંત્રાલયની સમિતિ)ના સભ્ય હોવાથી, તેમણે આ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક કમિટીના સેક્રેટરી સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલય દ્વારા લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસને આ અંગે સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
ભારતીય દૂતાવાસના સક્રિય પ્રયાસોના પરિણામે બંને યુવતીઓને શોધી કાઢવામાં આવી છે અને તેમને એમ્બેસીની કસ્ટડીમાં સુરક્ષિત રાખવામાં આવી છે. વતનમાં ચિંતાતુર બેઠેલા પરિવારજનોએ વીડિયો કાલના માધ્યમથી પોતાની દીકરીઓ સાથે વાતચીત કરી લેતા હાશકારો અનુભવ્યો છે અને સાંસદ તેમજ ભારત સરકારનો આભાર માન્યો છે.
આ ઘટના બાદ સાંસદ મિતેશ પટેલે વિદેશ જઈને કમાવવા માંગતા ગુજરાતના યુવાનો અને તેમના વાલીઓને એક ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ એજન્ટના કહેવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. વિદેશમાં રોજગારીની ઓફર આપતી કંપની, વિઝા અને એજન્ટની સત્તાવાર માન્યતાની યોગ્ય ચકાસણી કર્યા વિના વિદેશ પ્રયાણ ન કરવું, જેથી આવી મોટી મુસીબતોથી બચી શકાય.







































