અમરેલી નગરપાલિકામાં ભાજપની નવનિર્મિત બોડીએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. કુલ ૪૪ સદસ્યોમાંથી સ્પષ્ટ બહુમતી ધરાવતી આ નૂતન સમિતિએ પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા મહત્વના નિર્ણયો કર્યા છે. શહેરીજનો ઘરબેઠા પોતાની ફરિયાદો સરળતાથી નોંધાવી શકે તે માટે ખાસ વોટ્‌સએપ ગ્રુપ આધારિત નવી સુવિધા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવા, ૫૦ કિલોમીટર સુધી શબવાહિની સેવા કાર્યરત કરવા, મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવા અને ગરીબો માટે આવાસ યોજના જેવા ૧૧ જેટલા લોકાભિમુખ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. વણથંભી વિકાસયાત્રાને ગતિ આપવાની સાથે પાલિકામાં ફરજ બજાવતા લાંચિયા તેમજ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ઘરભેગા કરવાનો એક મક્કમ અને ઐતિહાસિક નિર્ણય પણ આ સભામાં લેવામાં આવ્યો હતો.