દામનગર શહેરની મધ્યમાં આવેલા શ્રી રામજી મંદિરના મુખ્ય દરવાજા સામે મેઈન બજારમાં ફિટ કરવામાં આવેલા પેવર બ્લોકનો મોટો હિસ્સો કેટલાય મહિનાઓથી ઉખડી ગયો છે. આ રસ્તો સમતલ ન હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે. પવિત્ર મંદિરના દર્શને આવતા ભક્તો અને સ્થાનિક રાહદારીઓ અહીં છાશવારે લપસીને પડી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. દરરોજ સેંકડો ગ્રામજનો આ જોખમી માર્ગ પરથી પસાર થાય છે, તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યા પ્રત્યે સંપૂર્ણ આંખ આડા કાન કરી રહ્યા છે. ગામના વિકાસની મોટી-મોટી વાતો કરતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ જોખમી જગ્યાને તાકીદે સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરે તેવી ગ્રામજનો અને દર્શનાર્થીઓની ઉગ્ર લાગણી અને માંગ છે.










































