ઉના તાલુકાના ચીખલી ગામમાં જલારામ પાન સેન્ટર પાસે ૨૩ વર્ષીય માછીમાર યુવક અક્ષય મોહનભાઈ મકવાણા પર પાંચથી વધુ શખસોએ છરી વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવી છે. આ ચકચારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અક્ષય પર પીઠ પાછળથી હુમલો થતાં તેણે બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ થવાના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. મૃતક અક્ષય તેના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મૃતકના મામાના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મૂકવા બાબતની જૂની અદાવત તેમજ કોબ ગામના એક યુવકની બાઈક સર્વિસ કરાવવા બાબતે થયેલી માથાકૂટ આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ હોવાનું મનાય છે. આ ગુનામાં કોબ ગામની કુખ્યાત ‘યાગી ગેંગ’ના શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાના પગલે નવાબંદર પોલીસ તુરંત દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના ખસેડીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








































