અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે સવારના સમયે પોતાના ઘરની બહાર મોં ધોઈ રહેલા એક યુવક પર ત્રણ શખ્સોએ ધસી આવી ગાળો ભાંડી, લાકડી તથા ઢીકાપાટુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ ઝઘડામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા વૃધ્ધ માતાને પણ લાકડી ફટકારી ઈજા પહોંચાડવામાં આવી હતી. હુમલાખોરોએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગયા હતા. બનાવ સંદર્ભે કલ્પેશભાઇ હિમંતભાઇ ખીટોલીયા (ઉવ ૩૪)એ દીવાબેન લાલજીભાઇ દાફડા, કુંજલબેન ભરતભાઇ ખીટોલીયા તથા ગૌતમભાઇ ધીરૂભાઇ ખીટોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેઓ સવારના સમયે માંગવાપાળ ગામે આવેલા પોતાના ઘરની બહાર મોં ધોઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈ જૂની બાબતની અદાવત રાખીને ત્રણેય હુમલાખોરો ત્યાં ધસી આવ્યા હતા. દીવાબેન દાફડાએ અચાનક બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને ઉશ્કેરાઈ જઈને યુવકના ગાલ પર બે લાફા મારી દીધા હતા. આટલેથી ન અટકતા કુંજલબેન ખીટોલીયા પણ ગાળો દેવા લાગ્યો હતો અને તેને પકડીને ગળાના ભાગે ગંભીર રીતે વિખોડીયા ભરી લીધા હતા. જ્યારે ગૌતમભાઈ ખીટોલીયાએ પોતાની પાસે રહેલી લાકડી વડે હિંસક હુમલો કરી, એક ઘા પીઠના ભાગે અને બીજો ઘા ડાબા પગ પર ફટકારી દીધો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ એકસંપ થઈને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે તેમની વૃધ્ધ માતા બચાવવા વચ્ચે પડ્યા ત્યારે તેમને પણ ડાબા પર લાકડી મારી હતી. આરોપીઓ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એચ.ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.









































