અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવા અને તળાવો ઊંડા કરવા અંગે એક વિશેષ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુ નાના-મોટા જળસંચયના કાર્યો પૂર્ણ કરાયા છે અને હવે ૧,૧૧,૧૧૧ જળ કાર્યોનો ભગીરથ સંકલ્પ છે. સૌરાષ્ટ્રની ધરતી પર ભૂગર્ભ જળના તળ ખૂબ નીચે ગયા છે ત્યારે વરસાદનું એક પણ ટીપું દરિયામાં વહી ન જાય તે માટે વતનની ધરતીને પાણીદાર બનાવવી અનિવાર્ય છે.સાંસદ ભરતભાઈ સુતરીયાએ જળ સંચયનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ભવિષ્યની પેઢી માટે પાણી બચાવવું ખૂબ જ અનિવાર્ય છે. તેમણે ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ જણાવ્યું કે, હાલ આખા ગુજરાતમાં અમરેલી જિલ્લો ચેકડેમ ઊંડા કરવાની કામગીરીમાં ગેરંટી સાથે મોખરે છે, અને આગામી દિવસોમાં આપણો જિલ્લો પાણી બચાવો અભિયાનમાં નંબર વન બનશે. તેમણે જેટકો કંપની, ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગની સરાહના કરી હતી.