જાફરાબાદના નાગેશ્રી ગામે સર્વે નંબર ૪૫૧ પૈકી ૧ અને ૨ ની પોતાની માલિકીની જમીન પર જતા સુરેશભાઈ વરુ, દીપુભાઈ વરુ અને રણજીતભાઈ વરુને કિરણભાઈ વરુ તથા દિપેશભાઈ વરુ નામના શખ્સો અવારનવાર રસ્તામાં અડચણ ઊભી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ શખ્સો લોખંડની પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી માર મારતા હોવાની લેખિત ફરિયાદ અરજદારોએ સુરક્ષા માટે કરી હતી. મામલાની ગંભીરતા જોઈ નાગેશ્રી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા. મામલતદારે આરોપીઓ પાસેથી હવે પછી આવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કે હેરાનગતિ ન કરવાની બાહેંધરી મેળવી, ભવિષ્યમાં ગુનો આચર્યે જામીન રદ થવાની શરતે તેઓને મુક્ત કર્યા હતા.









































