સાવરકુંડલા શહેરમાં વર્ષોથી નાવલી નદીના પટમાં ભરાતી પરંપરાગત શાકમાર્કેટને આખરે અમરેલી રોડ પર આવેલ ‘ખાતરવાડી’ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રતાણીએ રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ર્પાકિંગ એરિયામાં દબાણ ન થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ નવી જગ્યાએ અંદાજે ૨૦૦ જેટલા શાકભાજી વિક્રેતાઓ ઉત્સાહભેર સ્થળાંતરિત થયા છે. સામાજિક સમરસતાના પ્રતીક સમાન આ બજાર માટે તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરીને પૂરતા હવા-ઉજાસવાળી એક અદ્યતન કમ્પાઉન્ડેડ ઇમારત બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે કે સક્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ શહેરને આ કાયમી અને અદ્યતન સુવિધા પ્રાપ્ત થાય.







































