અમરેલી જિલ્લામાંથી વધુ એક સિંહણના મોતના સમાચાર સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી આ સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા અનુસાર આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થવાના કારણે સિંહણનું પણ મૃત્યુ નીપજ્યું હતું. ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહે પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિંહણનો મૃતદેહ બે દિવસથી ત્યાં પડ્યો હતો અને સ્થાનિક લોકોની જાણ કર્યા બાદ વનવિભાગ મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યું હતું, જેને પગલે વનવિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.







































