રાજુલા તાલુકાના દાતરડી ગામે નેશનલ હાઈવે સામે બાયપાસ પર આવેલા એક પેટ્રોલિયમ પંપ પર તંત્ર દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સરકારની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી કે જી.એસ.ટી. બિલ વગર મોટા પાયે કરચોરી કરીને ઓટોમોટિવ ડીઝલ વેચવાના આ મામલે પંપના પ્રોપ્રાઈટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજુલા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ હરેશકુમાર ભાનુશંકર પુરોહિતે દાતરડી ગામે કુળદેવી એન્ટરપ્રાઇઝ પેટ્રોલિયમ પંપના પ્રોપરાઇટર યુવરાજસિંહ રણજીતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, દાતરડી બાયપાસ પર નેશનલ હાઈવેની સામે આવેલા ‘કુળદેવી એન્ટરપ્રાઇઝ પેટ્રોલિયમ પંપ’ ખાતે પંપના પ્રોપ્રાઈટર દ્વારા સરકારની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ઓટોમોટિવ ડીઝલ ફ્યુઅલ BS-VI (HSD) નો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. આ પંપ પરથી કમર્શિયલ અને પેસેન્જર વાહનોમાં ગેરકાયદેસર રીતે આ ડીઝલનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી પ્રોપ્રાઈટર દ્વારા કમર્શિયલ વાહનોમાં ડીઝલ ભરતી વખતે જી.એસ.ટી. કે અન્ય કોઈ પણ પ્રકારના માન્ય આધાર બિલ આપવામાં આવતા નહોતા. બિલ વગર જ ડીઝલનો આખો ખેલ પાડીને સરકારની મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત, પેટ્રોલિયમના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરીને, સુરક્ષાના કોઈ પણ સાધનો કે પરવાનગી વગર આ જથ્થો રાખવામાં આવ્યો હતો.









































