લાઠી તાલુકાના હાવતડ ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરતા પંચાવન વર્ષીય કાળુભાઇ હિરાભાઇ મેવાડાના ઘરે હુમલાની ઘટના સામે આવી છે. આ બનાવની વિગત એવી છે કે ફરિયાદીના ભત્રીજો હિતેષ, આરોપી ભરતભાઇ ભાસ્કરની દીકરીને દામનગરથી ભગાડી ગયો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓ હરેશ સામંતભાઇ, ભરત ભાસ્કર, પરશોતમ મગનભાઇ સહિત કુલ વીસ જેટલા હથિયારબંધ ઇસમોએ કાયદા વિરૂધ્ધની મંડળી રચી હતી. તમામ આરોપીઓ મોટરસાયકલ પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ સહિત હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ્યા હતા. તેઓએ ઘરમાં હાજર સભ્યોને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ભરતભાઇ ભાસ્કરે ફરિયાદીના દીકરા ધીરૂભાઇને માથામાં અને ખભા પર ધોકાના ઘા માર્યા હતા, જ્યારે અન્ય અજાણ્યા ઇસમોએ કાજલબહેન અને હંસાબહેનને લોખંડના પાઇપ વડે ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ તેજલબહેનને જમીન પર ઢસડી ઓસરીની ગ્રીલ તોડી નાખી હતી. તેમજ ફરિયાદીના નાનાભાઇ હિંમતભાઇને મારવા પાછળ બાઇક દોડાવી હતી. આ તમામ ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો આચરતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.








































