રાજુલા નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી (GUDC) દ્વારા કરોડોના ખર્ચે ચાલતા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ, નલ સે જલ યોજના અને હેન્ડ પંપની કામગીરીમાં ગંભીર ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ટીકુભાઈ વરુએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મૂળ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરોને કામ સોંપતા જવાબદારીનો અભાવ વર્તાય છે. ટેન્ડર અને એસ્ટીમેટ મુજબ કામ થતું નથી, ગટર લાઈનો અને ચેમ્બરોની ગુણવત્તા શંકાસ્પદ છે અને રોડ ખોદ્યા બાદ યોગ્ય સમારકામ થતું નથી. આ બેદરકારીથી અકસ્માતનો ભય વધ્યો છે અને લોકોને પાણી તેમજ અવરજવરની મુશ્કેલી પડે છે. ટીકુભાઈ વરુએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક તપાસ કરીને કડક પગલાં નહીં લેવાય, તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.










































