શહેરની જાણીતી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ ખાતે તબીબોએ એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને તબીબી ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. “દર્દી દેવો ભવ” ના સૂત્રને સાર્થક કરતી આ હોસ્પિટલમાં ૨૦ વર્ષથી ગાંઠની ગંભીર પીડાથી પીડાતા એક દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા નજીકના વિકટર ગામના રહેવાસી દેવકુભાઈ દામાભાઈ વાઘેલા (ઉં. ૪૫) છેલ્લા બે દાયકાથી આ જટિલ ગાંઠની તકલીફથી હેરાન થતા હતા. તેમણે હોસ્પિટલના અનુભવી અને કાબિલ સર્જન ડા. અશ્વિન હડિયાનો સંપર્ક કર્યો હતો. દર્દીનું સચોટ નિદાન કર્યા બાદ ડા. હડિયાએ ઓપરેશન કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.ડા. અશ્વિન હડિયા અને તેમની તબીબી ટીમે ભારે જહેમત બાદ આ પડકારજનક ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. લાંબા સમયની પીડામાંથી મુક્તિ મળતા દર્દી અને તેમના પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સફળતા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. રોજની ૩૦૦ થી ૪૦૦ ની ઓપીડી ધરાવતી આ હોસ્પિટલે ફરી એકવાર લોકોનો વિશ્વાસ જીત્યો છે.