“ન ભૂલવાનું કારણ પણ તારી પાસે છે, એમને… ?”
“હા, કારણ એ છે કે જ્યોતિ તો મારો પહેલો પહેલો પ્યાર છે. મારી જિંદગીમાં પ્રથમવાર કોઈ છોકરીના અંગને સ્પર્શ કર્યો હોય તો તે છોકરી જ્યોતિ છે. અને મને કોઈ છોકરીએ પહેલું ચુંબન કર્યું હોય તો તે છોકરી માત્ર જ્યોતિ છે. આ બધું હું ભૂલી કેમ શકું? ભૂલી જ ન શકાય રણમલ…” દામલે પેટ છૂટી વાત કરતાં કહ્યું.
“સારું હોં, ન ભૂલતો બસ…” રણમલે કહ્યું ; “અરે હા, મને યાદ આવ્યું; તેં મને કહેલું કે જ્યોતિના પેટમાં તારું બાળક છે. તો શું એ સાચું છે…?”
“હા, સાચું છે. જ્યોતિએ જ મને કહ્યું હતું. અને મને વિશ્વાસ છે કે જ્યોતિ કોઈ દિવસ મારી સામે ખોટું બોલે જ નહીં. અને બીજું, મેં તે તેનું ઊપસેલું પેટ પણ જોયું છે. વળી એ છોકરાને લીધે જ તો તેણે આવી સરસ સરકારી માસ્તરની નોકરી પણ છોડી દીધી…” દામલે કહ્યું.
“સાંભળ, તારાં લગ્ન થયાં તેને બે અઢી વર્ષ થયાં હશે, બરાબર. તો અત્યારે જ્યોતિનું એ બાળક બે વર્ષનું થઈ ગયું હશે, સાચું ને… ?” રણમલે પૂછ્યું.
“હા…?” દામલ બોલ્યો: “પરંતુ મારા જ છોકરાનું મોઢું જોવાનું મારા ભાગ્યમાં ક્યાં લખાયું છે? અરે…, તે ગઈ તે ગઈ…, એ દિવસથી આજ સુધી મારી સાથે સંપર્ક પણ નથી થયો. શું કરું? બસ, તેની યાદ વધુ સતાવે ત્યારે મારું હૈયું ભરાઈ જાય છે. આંખો રીતસર ઉભરાઈ આવે છે. છાને ખૂણે બે-ઘડી રડી લઉં છું. પછી સ્વસ્થ થઈ થઈ રોજિંદું કામ કરવા માંડું છું. સાલી… આ જિંદગી જોને કેવી થઈ ગઈ છે…”
“તારા મોઢે હવે જ્યોતિની વાત નીકળી જ છે તો પછી મારે તને જ્યોતિ વિશે થોડી વાત તો કરવી જ પડશે, પરંતુ અત્યારે આમ આ ભૂતનાથ મંદિરમાં તો નહીં જ કહું, આપણે ઘરે જઈએ, થોડું જમી લઈએ પછી નિરાંતે આરામ કરતાં કરતાં જ્યોતિ વિશે મને જે માહિતી મળી છે તે બધું કહીશ.” રણમલ બોલ્યો.
આવી અનેક વાતો કરતાં કરતાં દામલ અને રણમલ ભૂતનાથ મહાદેવના મંદિરમાં બહાર નીકળી ઘર તરફ જવા ચાલવા લાગ્યા. આખા રસ્તે ચાલતાં ચાલતાં સામાન્ય વાતો તો થતી જ રહી, ત્યારે રણમલને લાગ્યું કે અત્યારે પણ દામલ તો ખૂબ જ ગંભીર અને ઉદાસ થઈ ગયો છે. અને આ સાચું પણ હતું.
બંને મિત્રો ઘરે પહોંચ્યા. હાથ અને મોઢું ધોઈ રણમલ અને દામો રસોડામાં દાખલ થયા, ટેબલ ફરતે ગોઠવાયા. બાએ બે થાળી પીરસીને તૈયાર કરી. ઘણા સમય પછી આમ આવી રીતે બંને મિત્રો એક સાથે જમવા બેઠેલા જોઈ બા… તો ખૂબ ખૂબ હરખાયા હતાં.
બે થાળી તૈયાર થઈ ગઈ એટલે બા તરત બોલ્યાં ઃ “હવે કોઈની રાહ જોવાની નથી, ચાલુ કરો…, હા… ખાતાં ખાતાં વાતો ઓછી કરજો. પહેલાં પેટભરીને જમી લો…”
રણમલ અને દામાએ હવે જમવાનું શરૂ કર્યું. આજે જ બા તેઓની સાથે જમવા ન બેઠાં… એટલે દામાએ બા સામે જોઈ કહ્યું ; “તમે પણ બેસી જાવને બા, પછી સાવ એકલું એકલું તમારે ખાવું…”
“જાણી જોઈને જ હું ખાવા નથી બેઠી. એમાં એવું છે કે, મને અત્યારે ખાવાની જરા પણ ઈચ્છા જ નથી થતી. મારું પેટ આખું ભર્યું ભર્યું હોય તેવું મને લાગે છે. એટલે ભૂખ લાગશે ત્યારે મોડેથી ખાઈ લઈશ…” – બાએ આવું કહ્યું. “સારું બા, તમને ઈચ્છા થાય ત્યારે જમી લેજો પણ ભૂખ્યા ન રહેતાં.” – દામાએ કહ્યું. આમ પંદરેક મિનિટ બંને મિત્રોએ જમવામાં પસાર કરી. જમી લીધા પછી બંને મિત્રો રસોડામાંથી બહાર નીકળ્યા ને સીધા જ હિંડોળા પર ગોઠવાયા, ત્યારે બા રસોડામાં ઢાકોઢૂંબો કરવા લાગ્યાં. થોડીવાર હિંડોળા પર હીંચકા લીધા પછી દામાએ જ કહ્યું: “હવે આપણે આરામ કરવા અંદર રૂમમાં જઈએ તો… ? ત્યાં પલંગ પર લાંબા થઈને નિરાંતે વાતો કરીશું, બરાબરને ?” એમ જ થયું. બંને હિંડોળા પરથી ઊભા થયા ને રૂમમાં દાખલ થયા. પલંગ વિશાળ હતો એટલે એ પલંગ પર બંને મિત્રો આરામ કરવા માટે આડા થયા. થોડીવાર સુધી કોઈ કશું બોલ્યું નહીં, છેવટે સાવ ધીમેથી દામલે રણમલને કહ્યું ; “જ્યોતિ વિશે તું મને કંઈક વાત કરવાનો હતો, એ તો તને યાદ છે ને… ?”
“યાદ હોય જ ને, લાગે છે કે જ્યોતિ હજી પણ તારા લોહીમાં ભળી ગઈ છે. (ક્રમશઃ)






































