અમરેલી શહેરના મુખ્ય માર્ગો અને જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી હતી. આ અંતર્ગત જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરનારા તેમજ રસ્તાની વચ્ચે હાથલારીઓ ઊભી રાખી ટ્રાફિકને અવરોધતા તત્વો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ ફ્રૂટની લારીવાળા અને બે ઓટો રીક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ગુના નોંધ્યા હતા. અમરેલી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિકજામ થાય તે રીતે લારીઓ ઊભી રાખેલા શખ્સો મળી આવ્યા હતા. જેમાં એક શખ્સ પોતાની હાથલારીમાં કેળા રાખીને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરતા ઝડપાયો હતો. અન્ય એક વેપારી પોતાની હાથલારીમાં કેરી ભરીને ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભો હતો. ત્રીજો એક લારીવાળો પણ રોડની વચ્ચે કેળાની લારી રાખીને ગ્રાહકોને માલસામાન વેચતો મળી આવ્યો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.
ફ્રૂટની લારીઓ ઉપરાંત, ચોક અને ચકલાઓ પર આડેધડ રીક્ષાઓ ઊભી રાખી ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા ચાલકો સામે પણ પોલીસે ગાળિયો કસ્યો હતો. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બે અલગ-અલગ ઓટો રીક્ષાના ચાલકો પોતાની રીક્ષાઓ ટ્રાફિકને ભારે અડચણરૂપ થાય અને અન્ય વાહનો પસાર ન થઈ શકે તે રીતે જાહેરમાં રાખીને ઊભેલા મળી આવ્યા હતા.
પોલીસે આ તમામ પાંચેય આરોપીઓ વિરુધ્ધ જાહેર માર્ગ પર અડચણ ઊભી કરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આગામી દિવસોમાં પણ ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા અને વાહનચાલકો સામે આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચેતવણી આપી હતી. પોલીસની કામગીરીથી ટ્રાફિકમાં અડચણરૂપ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.





































