છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જે આકરી ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે, તેમાં આજે થોડી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર,રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો નોંધાઈ શકે છે. જા કે, દરિયાઈ પવનો અને વાતાવરણમાં વધતા ભેજને કારણે ઉકળાટ અને બફારામાં નોંધપાત્ર વધારો થશે, જેથી લોકોને ગરમીની અસલ તીવ્રતા વધુ અનુભવાશે.
ગુજરાતમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે અને રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. અમરેલીમાં ૪૦.૯ ડિગ્રી અને કંડલામાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં ૩૯.૬ ડિગ્રી, ડીસામાં ૩૯.૧ ડિગ્રી અને ભાવનગરમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. દક્ષિણ ગુજરાતમાં સુરતનું તાપમાન તુલનાત્મક રીતે ઓછું રહી ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી સાથે બફારો અનુભવાતા લોકો અકળાઈ ઊઠ્યા છે.આ તાપમાન સામાન્ય કરતાં ઊંચા છે અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જાવા મળી રહી છે.હવામાન નિષ્ણાતોના મતે, દરિયાઈ પવનોના કારણે તાપમાનમાં હળવો ઘટાડો થઈ શકે છે,આઇએમડી અનુસાર આગામી કેટલાક દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ પણ વિકસી શકે છે.