અમેરિકાના ન્યૂ મેકસીકો રાજ્યમાં એક નાનું મેડિકલ પ્લેન ક્રેશ થયું. અકસ્માતમાં સવાર ચારેય લોકોના મોત થયા. અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે આ ઘટના રુઇડોસો વિસ્તારની બહાર બની હતી. લિંકન કાઉન્ટી મેનેજર જેસન બર્ન્સે જણાવ્યું કે ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, વિમાન રોઝવેલ એર સેન્ટરથી ઉડાન ભરી રહ્યું હતું અને સિએરા બ્લાન્કા રિજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું.એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરશે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે. દુર્ઘટના પછી આ વિસ્તારમાં આગ પણ ફાટી નીકળી હતી. લિંકન કાઉન્ટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, યુએસ ફોરેસ્ટ સર્વિસ, સ્થાનિક એજન્સીઓ સાથે મળીને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી હતી. આગ લગભગ પાંચ એકરમાં ફેલાયેલી હોવાનું કહેવાય છે.
દુર્ઘટના સમયે, દક્ષિણ ન્યુ મેકસીકોમાં હવામાન અત્યંત ગરમ અને શુષ્ક હતું, અને રુઇડોસો વિસ્તાર માટે ‘રેડ ફ્લેગ’ ઉચ્ચ આગ જોખમ ચેતવણી જારી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછી ભેજ અને તીવ્ર પવનોને કારણે આગ ફેલાવાનું જાખમ વધ્યું. પવનની ગતિ પ્રતિ કલાક ૫૬ કિલોમીટર સુધી પહોંચી શકે છે. રુઇડોસો ૮,૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતું પર્વતીય શહેર છે. તે દક્ષિણ-મધ્ય ન્યુ મેકસીકોમાં સીએરા બ્લાન્કા પર્વતમાળાની તળેટીમાં આવેલું છે. આસપાસનો વિસ્તાર ગાઢ જંગલો અને ગ્રામીણ વિસ્તારોથી ઘેરાયેલો છે, જેમાં લિંકન નેશનલ ફોરેસ્ટનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા ૧૮ મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્‌સમાં મેડિકલ એરક્રાફ્ટને લગતા ઘણા મોટા પ્લેન ક્રેશ થયા છે. જાન્યુઆરી ૨૦૨૫ માં, ફિલાડેલ્ફીયાના રહેણાંક વિસ્તારમાં એક જેટ ક્રેશ થયું હતું, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે, ટેક્સાસના દરિયાકાંઠે મેકસીકોના અખાતમાં એક યુવાન દર્દી સહિત આઠ લોકોને લઈ જતું મેક્સીકન નેવીનું વિમાન ક્રેશ થયું હતું.