લાઠીના તાજપર ગામે બસ સ્ટેશન પાસે એક યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. યુવકને બેલ્ટ વડે ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.પ્રથમ ફરિયાદ મુજબ, મયુરભાઈ બળવંતભાઈ બારડ (ઉ.વ. ૩૨) તાજપર ગામના બસ સ્ટેશન પાસે બેઠા હતા, ત્યારે આરોપી અનીરાજભાઈ બળવંતભાઈ બારડ ત્યાં આવી એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. આરોપીએ મયુરભાઈને ડાબા ગાલ પર ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા હતા અને પેટના જમણા ભાગે બેલ્ટના ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે, કપિલભાઈ બાબુભાઈ ઠેરાણા (ઉ.વ. ૨૬) એ પણ અનીરાજભાઈ બળવંતભાઈ બારડ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેઓ બસ સ્ટેશન પાસે હતા ત્યારે આરોપીએ આવીને અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી અને ડાબા ગાલે લાફા તેમજ પેટના ભાગે બેલ્ટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગોરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.