સોશિયલ મીડિયા પર સિંહની પજવણીનો વિડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. તારીખ ૦૬/૦૫/૨૦૨૬ના રોજ “રણજીતભાઇ વાળા નાનીઘારી” નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક વિડિયો પ્રસિધ્ધ થયો હતો, જેમાં વન્યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ-૧૯૭૨ હેઠળ આવતા સિંહો પાછળ વાહન દોડાવી તેમની ગંભીર પજવણી કરવામાં આવતી હોવાનું દેખાયું હતું. આ ઘટનામાં એક નર અને એક માદા સિંહ પાછળ મોટર સાઇકલ દોડાવવામાં આવી હતી.
ગીર (પુર્વ) વન વિભાગના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી નાનીધારી ગામના શીવરાજભાઈ માંજરીયા અને રણજીતભાઈ વાળા વિરુધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે તેમની પાસેથી આઈફોન ૧૭
પ્રો મેક્સ અને એક હીરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ પણ જપ્ત કરી છે. હાલમાં ખાંભા કોર્ટ દ્વારા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.