સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને બે ખાનગી વ્યક્તિઓ એસીબીના હાથે પકડાયા છે. આ કેસની મુખ્ય વિગત મુજબ ફરિયાદીના મિત્ર વિરુધ્ધ નોંધાયેલા ગુનામાં મોબાઈલ ફોન અને ફોર વ્હીલર ગાડી કબજે નહીં કરવા તેમજ માર નહીં મારવા માટે આરોપી વિજયભાઇ મેર દ્વારા અતુલભાઇ ચૌહાણ મારફતે પ્રથમ ૧,૨૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. રકઝક બાદ ૫૧,૦૦૦
રૂપિયા નક્કી થયા હતા જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. તા. ૧૧ મે ૨૦૨૬ ના રોજ ગોપીનાથ ઓઇલ મીલ પાસે ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપી મયુરભાઇ ખુમાણે લાંચના નાણાં સ્વીકારી વિજયભાઇને જાણ કરી હતી. ત્યારબાદ આરોપી છગનભાઇ ડાભી તે નાણાં લેવા આવતા સ્થળ પર જ પકડાઈ ગયા હતા. આ ચારેય આરોપીઓએ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાથી એસીબી પી.આઈ. ટી.એસ. રીઝવી અને તેમની ટીમ દ્વારા તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








































