સાવરકુંડલા શહેરમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. રસ્તા પરથી દૂર ખસી જવાનું કહેતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ દંપતી પર લોખંડની પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.રફીકભાઇ મહમદભાઇ શેખ (ઉ.વ.૪૦) એ રૂસ્તમભાઇ સમા તથા રૂહાન રૂસ્તમભાઇ સમા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, રફીકભાઇ અને તેમના પત્ની સોનલબેન પોતાના ઘર પાસે હાજર હતા, તે સમયે આરોપીઓ ત્યાં ઊભા હતા. સોનલબેને આરોપીઓને વિવેકપૂર્વક “તમે લોકો અહીંથી થોડા દૂર જતા રહો” તેમ કહ્યું હતું. આ વાત આરોપીઓને ગમી ન હતી અને તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.બંને આરોપીઓ પોતાના હાથમાં લોખંડની પાઈપો લઈને ધસી આવ્યા હતા અને સોનલબેનને બીભત્સ ગાળો આપી તેમના હાથે-પગે પાઈપના ફટકા મારવાનું શરૂ કર્યું હતું. પત્નીને બચાવવા જ્યારે રફીકભાઇ વચ્ચે પડ્‌યા, ત્યારે આરોપીઓએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. તેમને પગના ભાગે ચાર-પાંચ પાઈપો ફટકારી દેતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ પણ આરોપીઓનો ગુસ્સો શાંત થયો ન હતો; તેઓએ જતી વખતે દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, “આજે તો તમે જીવતા રહી ગયા છો, પણ બીજીવાર અહીં દેખાયા તો જાનથી મારી નાખીશું.