ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઇકબાલ ગોરીએ પક્ષના ઉચ્ચ નેતૃત્વ અને બહુમતી આગેવાનો સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલી સફળતા માત્ર મુસ્લિમ વિસ્તારોને આભારી છે. જે આગેવાનો પોતાના વોર્ડ કે તાલુકા પંચાયત જીતાડવાની ક્ષમતા ધરાવતા નથી, તેઓ પ્રદેશ કક્ષાએ હોશિયારી બતાવી રહ્યા છે. ગોરીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ૬૦થી વધુ ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં
જોડાયા, પરંતુ એકપણ મુસ્લિમ ધારાસભ્યએ પક્ષ સાથે ગદારી કરી નથી. આટલી વફાદારી છતાં, સભામાં મુસ્લિમોને ન આવવા કહેવું તે અત્યંત અપમાનજનક છે. તેમણે ચેતવણી આપી કે જો કોંગ્રેસ સોના અને કથીરની પરખ કરવામાં ભૂલ કરશે અને મુસ્લિમ મતદારો પક્ષથી વિમુખ થશે, તો કોંગ્રેસની હાલત કુંભના મેળામાં ખોવાયેલા બાળક જેવી દયનીય થઈ જશે. પક્ષના ‘આકાઓએ’ હવે દૂધ અને છાશનો ભેદ પારખવો જ રહ્યો.