અમરેલીના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે હાલ કાળઝાળ ગરમી વચ્ચે ગેસ વિતરણની વ્યવસ્થા ગ્રાહકો માટે હાલાકીનું કારણ બની છે. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આટકોટની કૈલાશ ઇન્ડેન ગેસ એજન્સી દ્વારા સોમવાર અને બુધવારે બપોરે ૨ઃ૦૦ થી ૨ઃ૩૦ વાગ્યાના સમયે ગેસના બાટલાનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાન ૪૫ થી ૫૦ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે, ત્યારે આ ધોમધખતા તાપમાં ગ્રાહકોને બાટલા લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આકરી ગરમીને કારણે લોખંડના બાટલા અત્યંત ગરમ થઈ જવાથી તેને પકડતા ગ્રાહકોના હાથ દાઝી રહ્યા છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એજન્સી દ્વારા ડિલિવરીનો સમય બપોરના બદલે સવારના અથવા સાંજે કરવા માંગ કરાઈ છે.








































