બગસરા શહેરમાં અપાશરાના નાકા પાસે પોલીસ વિભાગ દ્વારા અત્યંત ગર્વ સાથે ૬૦ ફૂટ ઉંચો વિશાળ પોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ પોલ પર તત્કાલિન જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયના હસ્તે ભવ્ય રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો જે પ્રજામાં દેશદાઝની ભાવના જગાડતો હતો. પરંતુ અત્યારે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે કારણ કે આ ગગનચુંબી પોલ પરથી રાષ્ટ્રધ્વજ ગાયબ થઈ ગયો છે અને માત્ર લોખંડનો થાંભલો જ ઉભો રહ્યો છે. સોશિયલ મીડિયા અને ભાષણોમાં દેશભક્તિની મોટી વાતો કરનારા સ્થાનિક આગેવાનો અત્યારે ક્યાંય શોધ્યા જડતા નથી.
દેશભક્તિના પ્રતિક સમાન તિરંગાની આવી અવદશા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગેવાનોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાષ્ટ્રધ્વજ વગરનો આ ખાલી પોલ તંત્રની લાપરવાહીની ચાડી ખાઈ રહ્યો છે. આ પોલ પર ફરી તિરંગો લહેરાવામાં આવે તેવી દેશપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.