અમદાવાદ અને ગાંધીનગર હવે આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્જિબિશન સેન્ટર ખાતે ૧૦ થી ૧૭ મે ૨૦૨૬ દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ (૨૦૨૬)નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગે અમદાવાદના એસ.જી. હાઈવે સ્થિત કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ સહિતના મહાનુભાવોએ માહિતી આપી હતી.
આ ચેમ્પિયનશિપમાં એશિયાના ૩૧ જેટલા દેશોના ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ કોમનવેલ્થ ક્વોલિફાયર તરીકે ભાગ લેશે. સમગ્ર ટૂર્નામેન્ટમાં અંદાજે ૨૦૦થી વધુ ખેલાડીઓ, ૨૦૦ જેટલા ટીમ અધિકારીઓ, ૫૦ આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ ઓફિશિયલ્સ તેમજ વીઆઇપી મહેમાનો હાજર રહેશે. સ્પર્ધામાં ૧૦૨ પુરુષ અને ૭૭ મહિલા એથ્લેટ્સ ભાગ લેશે. ભારત તરફથી ૮ પુરુષ અને ૮ મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
મળતી માહિતી મુજબ, ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ કોમનવેલ્થ અને ઓલિમ્પિક તૈયારીને કારણે આ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લે. તેમ છતાં અનેક જાણીતા અને યુવા ભારતીય ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે. ૧૨ મેના રોજ મહાત્મા મંદિર ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહનો શુભારંભ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે. સાથે જ રાજ્યમંત્રી ડા. જયરામ ગમિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનની એક્જિક્યુટિવ બોર્ડ બેઠક અને વાર્ષિક કોંગ્રેસ પણ ૧૨ મેના રોજ અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે યોજાશે. આ ચેમ્પિયનશિપ ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ – ગ્લાસ્ગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે.આઇડબ્લ્યુએલએફના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું હતું કે ભારતને ચોથી વખત આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો ગૌરવ મળ્યો છે, જે વૈશ્વિક વેઇટલિફ્ટિંગ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.










































