પ્રેમ અને કાયદાના સમન્વયનો એક અનોખો કિસ્સો ગુજરાત હાઈકોર્ટમાં જાવા મળ્યો છે. ભારે વિવાદો અને વિરોધ બાદ આખરે એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ હેઠળ કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયા છે. હાઈકોર્ટના આદેશ બાદ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરી તેના પતિ સાથે રહેવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, આ નવદંપતીને કોઈ સામાજિક તત્વો પરેશાન ન કરે તે માટે પોલીસને પણ કડક તાકીદ કરવામાં આવી છે.ગુજરાત રાજકારણ વિશ્લેષણ
મહેસાણા જિલ્લાના વતની એવા ૨૨ વર્ષીય મુસ્લિમ યુવક અને ૨૧ વર્ષીય હિન્દુ યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પરંતુ, અલગ અલગ ધર્મના હોવાને કારણે કેટલાક સ્થાનિક ધાર્મિક સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિવાદ વકરતા બંનેને બળજબરીથી છૂટા પાડવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુરના મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ હતી. પોતાની પ્રેમિકાની કસ્ટડી મેળવવા અને તેની સાથે કાયદેસર લગ્ન કરવા યુવકે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુવતીની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે યુવકને આદેશ આપ્યો કે જા ભવિષ્યમાં કોઈ કમનસીબ સંજાગો ઊભા થાય, તો યુવતીની આર્થિક સ્થિતિ ન જાખમાય તે માટે ૩ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ યુવતીના નામે કરાવવી પડશે. યુવકે આ શરત સહર્ષ સ્વીકારીને સોગંદનામું રજૂ કર્યું હતું અને ખાતરી આપી હતી કે તે પત્નીની તમામ જરૂરિયાતો પૂરી કરશે અને તેને સન્માનભેર રાખશે. યુવતીનું કોઈ બેંક એકાઉન્ટ ન હોવાથી કોર્ટે રજિસ્ટ્રીને નવું ખાતું ખોલાવીને તેમાં વ્યાજ જમા થાય તેવી વ્યવસ્થા કરવાનો ખાસ નિર્દેશ આપ્યો હતો.
હાઈકોર્ટના ૬ અઠવાડિયાના સમયગાળાના નિર્દેશ મુજબ, તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આ યુગલે ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ હેઠળ લગ્ન નોંધણી કરાવી લીધી હતી. કોર્ટના આદેશથી સંબંધિત સરકારી તંત્રએ પણ યુવતીના જન્મના દાખલા અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેવી જરૂરિયાતો તાત્કાલિક પૂરી પાડી હતી. આ સમયગાળા દરમિયાન યુવતીને અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી.
લગ્નની તમામ કાનૂની વિધિઓ પૂર્ણ થયા બાદ, હાઈકોર્ટે યુવતીને તેના પતિ સાથે સાસરે જવાની મંજૂરી આપી દીધી છે. આંતરધર્મીય લગ્ન હોવાથી ભવિષ્યમાં કોઈ તેમને હેરાન ન કરે તે સુનિશ્ચિત કરવા હાઈકોર્ટે પોલીસ વિભાગને પણ વિશેષ તાકીદ કરી છે. આ ચુકાદો પ્રેમી પંખીડાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતા માટે એક મોટો વિજય માનવામાં આવે છે.