શહેરના વાડજમાંથી પોક્સોના ગુનાનો આરોપી પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ થયો છે. મેડિકલ તપાસ કરાવ્યા બાદ આરોપીને પોલીસ સ્ટેશન પરત લાવવામા આવ્યો હતો. તે સમયે આરોપી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટેની ગતિવીધી શરૂ કરી છે.
વાડજ પોલીસે પોક્સોના ગુનામાં અશોક ડાભાણી નામના આરોપીની ધરપકડ કરી હતી. ગત મોડી રાત્રે તેને સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ તપાસ પૂર્ણ કર્યા બાદ આજે સવારે સાડા પાંચેક વાગ્યાની આસપાસ જ્યારે તેને પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો ત્યારે પોલીસ સ્ટેશનના દરવાજા પાસેથી જ તે પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો છે.
આરોપી વિરુદ્ધમાં સાતમી મેના દિવસે એક ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીએ ૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને આબુ ભગાડી લઈ ગયો હતો. જોકે જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા પોલીસ અધિકારીઓએ પણ બનાવની ગંભીર નોંધ લીધી છે. કયા સંજાગોમાં આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. જોકે આરોપીને પકડવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું.







































