બગસરા તાલુકાના પીઠડીયા ગામ પાસે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં અમરેલીના ૬૮ વર્ષીય વૃધ્ધનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. બાઈક આડે અચાનક કૂતરૂં આવી જતાં સર્જાયેલા આ અકસ્માતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અનિરૂધ્ધભાઇ બાબુભાઇ કોટડીયા (ઉં.વ. ૪૫) એ પોલીસને જણાવ્યા મુજબ, અમરેલીમાં રહેતા તેમના પિતા બાબુભાઇ કરશનભાઇ કોટડીયા (ઉં.વ. ૬૮) પોતાનું મોટરસાયકલ લઈને પીઠડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ આડે અચાનક કૂતરૂં ઉતરતા તેમણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો.બાઈક સ્લિપ થઈ જતાં બાબુભાઈ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, છાતીના ભાગે ગંભીર ઈજા અને માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજાઓ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એસ.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.