દેશમાં ચાલી રહેલી તીવ્ર ગરમીની વચ્ચે હવામાનની પેટર્ન બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં તો ભારે ગરમી પડી રહી છે તો બીજી બાજુ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં વહેલી સવારે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશમાં તાપમાને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બાંદામાં મહત્તમ તાપમાન ૪૫.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે તેને દેશનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાઈને ૪૦ને પાર જતો રહ્યો છે. અમદાવાદનું તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે કે આંશિક રાહત મળશે તે અંગેની આગાહી જોઈએ.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. જે બાદ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ધીમે ધીમે ઘટાડો થઈ શકવાની પણ આગાહી છે. જ્યારે બુધવારે અમદાવાદનું તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહ્યું
હવામાન વિભાગે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યું છે કે, ૪૩.૬ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૨ નોંધાયું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહી હતી ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસ્વસ્થતા વધશે. આ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, દીવના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન ૩૫-૩૯ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. ૨૯ એપ્રિલના રોજ અમદાવાદનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બપોરના સમયે લૂ વાગવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.
ઘણા પશ્ચિમી વિક્ષેપો ટ્રફ લાઇન્સ અને અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન્સ હાલમાં સક્રિય છે. જે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. હરિયાણાથી મણિપુર સુધી વિસ્તરેલી લાંબી ટ્રફ લાઇન ઉત્તર અને પૂર્વ ભારતમાં હવામાનને અસ્થિર બનાવી રહી છે. વધુમાં, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની આસપાસ રચાયેલા ચક્રવાતી પરિભ્રમણ પણ વરસાદ અને વાવાઝોડાની પ્રવૃત્તિમાં વધારો કરવામાં ફાળો આપી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે મેથી શરૂ થતા પશ્ચિમી હિમાલય પ્રદેશ પર એક નવો પશ્ચિમી વિક્ષેપ આવવાની ધારણા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાન ઠંડું થવાની સંભાવના છે.









































