શહેરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી સફળ ટ્રેપ હાથ ધરીને સીજીએસટી વિભાગના એક ઉચ્ચ અધિકારી અને તેમના વતી લાંચ લેતા ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની માતબર રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, આ કામના ફરિયાદી વિરુદ્ધ સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવવા બાબતે એક અરજી થઈ હતી. આ અરજીની પતાવટ કરવા અને ફરિયાદી વિરુદ્ધ મોટો કેસ ન કરવાના અવેજમાં સીજીએસટી ડીવીઝન-૧, રેન્જ-૫ના સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર દ્વારા ૨૫ લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે ૨૦ લાખ રૂપિયા નક્કી થયા હતા અને આ રકમ રાજકોટના ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયાને આપી દેવા જણાવાયું હતું.

જાગૃત ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદને આધારે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત અધિકારી મુકેશકુમાર વતી આકાશ કલોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૨૦ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.એસીબી દ્વારા લાંચની ૨૦ લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે. આ સફળ ટ્રેપ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એ. ખોખર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.