વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય રંજનબેન પારેખ આજે બપોરે પોતાના ઘરે હતા. જ્યારે તેમની કામવાળી નીતાબેન ઘરનો દરવાજા ખુલ્લો રાખી સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ રંજનબેનને બાથરૂમમાં જ પકડી લીધા અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા રંજનબેને પોતાના કાનની બુટ્ટી, બંગડી અને સોનાની જળ કાઢી આપી હતી. એટલું જ નહીં, લૂંટારુઓએ ઘરમાંથી રોકડ રૂ. ૬૦,૦૦૦, સોનાની ચેઈન અને ભગવાનની ચાંદીની મૂર્તિઓ મળી કુલ રૂ. ૩,૮૬,૦૦૦ ની લૂંટ ચલાવી હતી.
લૂંટારુઓ માત્ર લૂંટ કરીને અટક્યા નહોતા, પરંતુ તેમણે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. રંજનબેનના જ ઓઢણી અને ટુવાલના ટુકડા કરી તેમના હાથ-પગ બાંધી દીધા હતા. કામવાળી નીતાબેનને પણ ઓઢણીથી બાંધી બાથરૂમમાં પૂરી દીધા હતા. લૂંટ દરમિયાન પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ કામવાળીના ડાબા હાથની આંગળી પર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. લૂંટ પતાવીને લૂંટારુઓ “ચલો કામ હો ગયા” કહી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
ઘટના બાદ ભોગ બનનાર વૃદ્ધાએ પડોશીઓની મદદથી ૧૧૨ પર પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, એક આરોપીએ ઓરેન્જ ટોપી અને પટ્ટાવાળું ટીશર્ટ પહેર્યું હતું, જ્યારે બીજાએ પીળી ટોપી પહેરી હતી. આ ત્રણેય આરોપીઓ ૨૫ થી ૩૫ વર્ષની વયના હોવાનું અનુમાન છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









































