કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ૨૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાવરકુંડલા સ્થિત સ્વર્ણ અમરેલી એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના વડા ડો. મિનાક્ષી બારીયાએ ખેડૂતોને જમીન અને પાણીના પૃથ્થકરણનું મહત્વ સમજાવી ખાતરના સંતુલિત ઉપયોગ પર ભાર મૂક્યો હતો. હાલમાં ત્યાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા કાર્યરત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત ડો. સ્વેતાબેન પટેલે જૈવિક ખેતીના ફાયદા જણાવતા ગીર સાવજ ટ્રાયકોડર્માં અને બ્યુવેરીયા જેવી ફૂગ દ્વારા રોગ-જીવાત નિયંત્રણની પદ્ધતિઓ સમજાવી હતી. ત્યારબાદ ટીમે બાઢડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીમાં રાખવી પડતી કાળજીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવાનો રહ્યો હતો.










































