જાફરાબાદમાં ઓનલાઇન રોકાણના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફેસબુક પર આકર્ષક એડ જોઈને પ્રી-IPOમાં રોકાણ કરવા જતાં એક કંપનીના જનરલ મેનેજરે રૂ. ૫.૪૪ લાખ ગુમાવ્યા હતા.આ અંગે લુણસાપુર સ્થિત સિન્ટેક્ષ કંપનીના જનરલ મેનેજર માધવન મુરુગન (ઉ.વ. ૫૬) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે ફેસબુક પર ‘IPO is LUCK, Pre-IPO is choice’ નામની એક જાહેરાત જોઈ હતી. જેમાં શેરબજારમાં QIB અને NSE-BSE SME જેવા પ્રી-IPO ટ્રેડિંગમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપવામાં આવી હતી.આ એડ પર ક્લિક કરતા જ ફરિયાદીને ‘IIFL Wealth-૨૧૭’ નામના વોટ્‌સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં ઠગ ટોળકીના સભ્યો પોતાની ખોટી ઓળખ આપી એડમિન અને એડવાઈઝર તરીકે વાતચીત કરતા હતા. વિવિધ મોબાઈલ નંબરો પરથી સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.આ ગઠિયાઓએ ફરિયાદીને જુદી-જુદી બેંકોની વિગતો મોકલી હતી, જેમાં તેમણે પોતાના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૫,૪૪,૧૦૦ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે તેમણે રોકેલા પૈસા પરત મેળવવાની વાત કરી, ત્યારે આ ઠગ ટોળકીએ પૈસા આપવાને બદલે ઉલટાનું વધુ રકમ મોકલવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરીયાદની જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. દેસાઇ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.