પંજાબ કિંગ્સે આઇપીએલ ૨૦૨૬ ની ૨૪મી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સને ૭ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, પંજાબ ૯ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. આ આઇપીએલમાં મુંબઈનો આ સતત ચોથો પરાજય છે. પંજાબ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ દેખાતો હતો. મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન જ્યારે હાર્દિકને મેચ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે હાર બાદ તેમની પાસે કહેવા માટે કંઈ નથી.
મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું, “સાચું કહું તો, મારી પાસે હમણાં કહેવા માટે કંઈ નથી. મને લાગે છે કે આપણે ખરેખર પાછા જઈને આપણી રણનીતિનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર છે અને જાઈએ કે આપણે ક્્યાં ખોટું કરી રહ્યા છીએ. શું તે એક ખેલાડીને કારણે છે? શું તે આખી ટીમને કારણે છે? કે પછી આપણી આયોજનની અછતને કારણે છે? આપણે આગામી મેચ પહેલા તે શોધી કાઢીશું અને જાઈશું કે આપણે આગળ શું કરી શકીએ છીએ.”
પંડ્યાએ વધુમાં કહ્યું, “મને લાગે છે કે આપણે આ જીતનો શ્રેય પંજાબને આપવો પડશે. બોલ રિવર્સ સ્વિંગ થવા લાગ્યો. બીજી ઇનિંગમાં ઝાકળ પડી ગઈ હતી, જેના કારણે બેટિંગ થોડી સરળ બની હતી, પરંતુ તેમ છતાં, તેઓએ અમને સંપૂર્ણપણે હરાવી દીધા.” તેઓએ બેટિંગ અને બોલિંગમાં અમારા કરતા સારું પ્રદર્શન કર્યું, અને ચોક્કસપણે વધુ સારી ફિલ્ડીંગ કરી. આ જ કારણે આ મેચમાં તેમની જીત થઈ. મને લાગે છે કે આપણે જાવું પડશે કે શું આપણે કેટલાક કઠિન નિર્ણયો લેવાની જરૂર છે, કે શું આપણે ફક્ત ચાલુ રાખવું જાઈએ. આશા છે કે, આપણે આવનારી મેચોમાં સુધારો કરીશું.
મેચ અંગે, પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈએ ક્વિન્ટન ડી કોકની સદીની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા. ડી કોકે ૬૦ બોલમાં ૧૧૨ રનની અણનમ ઇનિંગ રમી, પરંતુ તેની ઇનિંગ ટીમને વિજય તરફ દોરી શકી નહીં. પંજાબે ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવીને સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું. પંજાબ માટે પ્રભસિમરન સિંહે અણનમ ૮૦ રન બનાવ્યા, જ્યારે શ્રેયસ ઐયરે ૬૬ રનનું યોગદાન આપ્યું.