સુરત શહેરમાં ફરી એકવાર હૃદય હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતમાં થતા તણાવથી કંટાળીને એક માતાએ પોતાની બે નાની દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. આ દુર્ઘટનામાં માતાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બંને બાળકીઓ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે જંગ લડી રહી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના મહુવા તાલુકાના તરેડ ગામના વતની અને હાલ ડભોલી સ્થિતિ ‘સુમન પ્રતીક આવાસ’માં રહેતા જયસુખભાઈ પટેલિયા હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારે બપોરે જયસુખભાઈ ઘરે આવ્યા હતા અને પત્ની મિતલબેન (ઉં.વ. ૩૫) તથા દીકરીઓ વેનિશા (ઉં.વ. ૬) અને આરવી (ઉં.વ. ૫) સાથે મળીને શાંતિથી ભોજન લીધું હતું. જમ્યા બાદ જયસુખભાઈ પરત પોતાના કામે નીકળી ગયા હતા. જાકે, કોઈને અંદાજ નહોતો કે આ તેમનું સાથે છેલ્લું ભોજન હશે. જયસુખભાઈના ગયા બાદ તણાવમાં રહેલા મિતલબેને અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ પાણીમાં ઓગાળી પહેલા પોતાની બંને લાડકવાઈ દીકરીઓને પીવડાવી દીધી અને ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું.
ઝેર પીધા બાદ મિતલબેને પોતાના પતિને ફોન કરીને જાણ કરી હતી કે, “મારે હવે જીવવું નથી, મેં દવા પી લીધી છે.” આ સાંભળી ફાળ પડેલા પતિએ તાત્કાલિક પોતાના સંબંધી હરીશભાઈને ઘરે દોડાવ્યા હતા. હરીશભાઈ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય અત્યંત ભયાનક હતું. બંને બાળકીઓ બેડ પર બેસીને રડી રહી હતી અને મિતલબેન બેભાન અવસ્થામાં જમીન પર ઢળી પડ્યા હતા. મોટી દીકરી વેનિશાએ રડતા રડતા જણાવ્યું કે, “મમ્મીએ અમને દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી.” ત્રણેયને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાકે, સારવાર દરમિયાન મિતલબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે ૬ વર્ષની વેનિશા અને ૫ વર્ષની આરવીને હાલ પીઆઈસીયુ વોર્ડમાં રાખવામાં આવી છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર માટે આવતો રવિવાર ખૂબ જ ખાસ હતો, કારણ કે તેઓ વતનમાં એક સંબંધીના લગ્નમાં જવાના હતા. લગ્ન માટે કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લેવામાં આવી હતી. જે ઘરમાં લગ્નની તૈયારીઓનો ઉત્સાહ હતો, ત્યાં અત્યારે આક્રંદ અને માતમ છવાઈ ગયો છે.
સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ઘરમાં રસોઈ બનાવવા જેવી નાની-નાની બાબતોમાં થતા ઝઘડા અને ઘરેલુ તણાવના કારણે મિતલબેને આ આત્યંતિક પગલું ભર્યું હતું.