ભગવદ્‌ ગીતાના દાર્શનિક સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે તું કર્મ કરતો જા ફળની આશા રાખીશ નહીં. કર્મ એ જ ધર્મ છે. અહીંયા તો ધર્મના આડંબરમાં કર્મ કર્યા વગર લક્ષ્મીપતિ બનવાની પરંપરા ચાલી રહી છે. ધર્મના નામે જમીન ઉપર દબાણ કરવું ત્યારબાદ તે જમીનનો કબજો લઈ લેવો, ધીમે ધીમે ધર્મના ઓઠા હેઠળ પોતાની માલિકી હક દાખલ કરાવો શું આ ધર્મ છે? સરકારી જમીન પર બિનજરૂરી બાંધકામ કરવું તે ધર્મ છે? ગામડાઓમાં તો અતિશય દબાણ છે તેવા સમયે પંચાયતના તલાટી અને સરપંચને શા માટે લેન્ડ ગેમ્બિંગ કાયદામાં તેઓને કારાવાસની સજા કરવામાં આવતી નથી. ફરજના ભાગરૂપે કાર્ય કરવું તે દરેક ભારતીયની નૈતિક ફરજ છે. એક સહી કરવા માટે ચાર દિવસ સુધી ફાઈલ ટેબલ ઉપર પડી રહે એનો મતલબ કે હજુ સહી શીખવાની બાકી છે? સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવું તે મોટો ધર્મ છે.સરકારના તમામ કર્મચારીઓ પોતાની ફરજનું પાલન કરે તે સૌથી મોટો ધર્મ છે. ભગતસિંહ એ કહ્યું છે કે “સૌથી મોટામાં મોટો ધર્મ રાષ્ટ્ર ધર્મ છે” તેનું સિંચન કરવું તે આપણી ફરજ છે?
આજે ભૌતિકવાદના સમયગાળામાં રાતોરાત લક્ષ્મીપતિ બનવાવાળા એક દિવસ સ્મશાન યાત્રાની લાઇનમાં ઊભા રહેશે. તેવો ખ્યાલ રાખશે તો માનવતા જે મરી પડી છે ને તે જીવંત બનશે.માનવો આધ્યાત્મિકતાવાળા હોઈએ તે સારી બાબત છે. પરંતુ કર્મની બાબતમાં સત્યતા અને નિષ્ઠા ખૂબ મહત્વની છે. ગાંધીજીએ કહ્યું છે કે સત્ય સનાતન છે. ભારતનો મુદ્રાલેખ “સત્યમેવ જયતે છે” પરંતુ જે અસત્યના માર્ગે થાય છે તે જગ જાહેર છે. ઇલેક્શનનો માહોલ હોય તેવા સમયે લોકોની પણ નૈતિક ફરજ બને છે કે મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે. યોગ્ય વ્યક્તિને વોટ આપવો તે સૌથી મહત્વની બાબત છે. લોકશાહીના ધબકારા વ્યાપક બનાવવા હોય તો કર્મ એ જ ધર્મ છે. ઘણી વખતે સુફિયાણી વાતો કરનારા લોકો કહે છે કે અમેરિકા દેશ કેટલો આગળ છે પણ તે નથી કહેતા કે અમેરિકાના લોકો સમય મર્યાદામાં કાર્ય કરે છે. કચરો કચરા પેટીમાં નાખે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ટોયલેટમાં પાણી રેડે છે. પર્યાવરણનું જતન કરે છે. સૌથી મહત્વની બાબત પોતાના દેશને વફાદાર રહે છે. અહીંયા તો ડગલે અને પગલે અમીરચંદ અને મીરજાફર જેવા ગદ્દારો જોવા મળે છે. પછી પાછા બોલશે કે ભારત મારો દેશ છે હું મારા દેશને ચાહું છું કયા મોઢાની વાત કરવી?
પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી દરેકે પોતાની કાર્યક્ષેત્રમાં આવતું કાર્ય કરવું જોઈએ. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી કાર્ય કર્તા હોય તો આપણે પણ આપણી ફરજ સમજી કાર્ય કરવું જોઈએ ને તો જ દેશની ગતિશીલતા અને ગુણવત્તા વ્યાપક બની શકે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્વિન્ટલના શબ્દોમાં કહીએ તો ‘વિશ્વ તમારા કામને જોવે છે,નહીં કે તમારા વિચારો’ માણસ ગમે તેટલા સારા વિચાર કરે. પણ સાથે સાથે કામ ન કરે તો કોઈ અર્થ નથી.
કોઈપણ કાર્ય નિપુણતાથી કરવુ તે પણ કળા છે. બુટ સાધનાર યોગ્યતાથી કાર્ય કરે તો લાંબો સમય સુધી બુટ અથવા ચંપલ ફાટતા નથી. તેમ સામાન્યથી મોટું કામ કાળજી અને કર્મથી કરવામાં આવે તો તેની અવધી લાંબો સમય સુધી ટકી શકે છે. કાર્ય કરવામાં ઉત્સવ હોવો જોઈએ. સરદાર પટેલ જ્યારે ગૃહપ્રધાન હતા ત્યારે પોતે દરેક ફાઈલ ચેક કરે અને તેનું નિરાકરણ ઝડપી આવે તેવા તેમના કાર્યો રહ્યા છે એટલે તો તેમને લોહપુરુષ કહેવામાં આવે છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રીના કાર્યાલયમાં સંપૂર્ણ ફાઈલો નિરાકરણ આવે પછી જ ઘરે આવતા હતા. ચોકસાઈથી જોવું અને જ્યાં જરૂર પડે ત્યાં નોંધ કરવી તેવી કલા ધરાવતા હતા.આવા કાર્યો રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જાય છે. કામ કરવાનો આનંદ હોવો જોઈએ. આપણે જે પગાર લઈએ છીએ તેનાથી સવાયુ કામ કરવું તે કર્મ છે.મનુષ્ય દેહ મળ્યો છે તો કાર્ય સારા કરીને જઈશું તો સ્વર્ગ લોક પામીશું. કર્મ જ ધર્મ છે બાકી બધું નિરર્થક છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨